સુરતની એક યુવતીએ લગ્ન કરી વિદેશમાં સેટલ થવાના સપના જોયા. NRI મુરતિયો પસંદ કર્યો. લગ્ન કરી પતિ સાથે કેનેડા ગઈ. વિદેશની ધરતી પર પગ મૂકતા જ તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ. જેની સાથે સાત ફેરા ફરીને લગ્ન કર્યા હતા એ યુવક પહેલાં જ એક નર્સ સાથે લગ્ન કરી ચૂક્યો હતો. પતિ તેને માત્ર ઘરકામ કરાવવા જ ત્યાં લઈ ગયો હતો. યુવકે પાસપોર્ટ પોતાની પાસે લઈ લીધો અને બીજી પત્નીને ગોંધી રાખી હતી.
એક દિવસ તક મળતાં સુરત ખાતે માતા સાથે ફોન પર વાત કરી હકીકત જણાવી. માતાએ તેના ભાઈને કેનેડા મોકલ્યો. મહામુસીબતે દીકરીને પરત લાવ્યા. દીકરીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. વજન પણ સાવ ઘટી ગયું હતું અને ચહેરા પરનું નૂર જ ઉડી ગયું હતું. તેને એટલો આઘાત લાગ્યો હતો કે તે ડિપ્રેશનમાં સરી પડી હતી. હોસ્પિટલમાં 6થી 8 મહિના સુધી સારવાર ચાલી હતી. NRI મુરતિયાના મોહમાં પરિવારનું જીવન નર્ક બની ગયું હતું.
આ તો એક સુરતનો રિયલ કિસ્સો છે પણ વાસ્તવમાં માત્ર સુરત જ નહીં ગુજરાતની અનેક યુવતીઓ વિદેશ જવાની ઘેલછામાં છેતરપિંડીનો ભોગ બની રહી છે. આજે 17મી જુલાઈના રોજ ઈન્ટરનેશનલ જસ્ટિસ-ડે છે. આ તકે ગુજરાતી યુવતીઓને વિદેશી મુરતિયા કેવી રીતે છેતરી રહ્યા છે? યુવતીઓએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? વગેરે સવાલો સાથે જાણીતા અખબારે 17 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રીતિબેન જોષી સાથે વાતચીત કરી હતી. પ્રીતિબેન જોષીએ હાલમાં સુરતમાં એક સેમિનારમાં યુવતીઓને લગ્ન સંબંધિત જે સલાહ-સૂચનો આપ્યા હતા, તે ખૂબ વાઇરલ થયા હતા.
NRI યુવકો કઈ રીતે છેતરે છે?
પ્રીતિબેન જોષીએ જાણીતા અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું, ‘ દીકરીઓને વિદેશમાં પરણાવવાનું ચલણ વધ્યું છે ત્યારે અનેક બાબતો એવી છે તેના વિશે ચોક્કસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.ઘણાં NRI મુરતિયા પોતે ઓલરેડી મેરિડ છે, એ વાત છૂપાવે છે, અમુક આવકની હકીકત છુપાવે, ત્યાં એમનું ઘર છે કે નહીં એવી હકીકત પણ છુપાવે છે. અહીંયા એવું બતાવે કે હું વેલસેટ છું, મારો મોટો પગાર છે. મારું પોતાનું ઘર છે. જ્યારે વાસ્તવિકતા આનાથી વિપરીત જ નીકળતી હોય છે. ઘણી વખત ત્યાં પહેલેથી જ લગ્ન કર્યા હોય એવું પણ બહાર આવે છે. ક્યારેક એવું કહેતાં હોય કે હું મૉટેલ ચલાવું છું, પણ ત્યાં જઈને ભાઇ વાસણ પણ માંજતો હોય છે.’
હેલ્થ ઇશ્યૂ છુપાવે
પ્રીતિબેન જોષી આગળ કહે છે, ‘ખાસ કરીને જે દેશમાં દિકરી પરણાવવાની હોય તે દેશની ભાષા સમજવી જરૂરી છે. તેમજ ફૂડ અને કલ્ચરનું ધ્યાન રાખવું પડે છે. આ ઉપરાંત લાઈફ સ્ટાઈલ પણ જોવી જોઈએ. ફોરેનમાં બધા પોત પોતાના કામમાં બિઝી હોય છે, પાડોશમાં કોણ રહે છે તેનો પણ ખ્યાલ હોતતો નથી. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને જ દિકરીઓએ વિદેશમાં લગ્ન કરવા અંગે વિચારવું જોઈએ. ઘણી વાર મુરતિયો પોતાને કોઈ ગુપ્ત રોગ હોય કે શારીરિક ગંભીર બીમારી હોય એ અંગેની હકીકતો છુપાવે છે. પાછળથી ખબર પડે કે આની સારવાર ચાલુ હતી પણ દવા લેવાની રહી ગઈ અને એનું રીએક્શન આવી રહ્યું છે. અમુક કિસ્સામાં HIV જેવો રોગ પણ નીકળે છે.’
યુવતીઓએ શું વાતો ધ્યાનમાં રાખવી જોઈએ?
પ્રીતિબેને કહ્યું હતું, ‘સૌથી પહેલા તો ઇન્ક્વાયરી કરવી. ફક્ત મોબાઈલ પર છોકરાની પ્રોફાઇલ કે બાયોડેટા આવી જાય એનો વિશ્વાસ કરીને હા પાડવી જોઈએ નહીં. કોઈ મધ્યસ્થી, દલાલ, સામાજિક આગેવાન કે મેરેજ બ્યૂરો હોય માત્ર એના આધારે પણ એણે લગ્ન ના કરવા જોઈએ. યુવતીએ કરારમાં માહિતીની ચકાસણી કરવી જોઈએ. એક વખત યુવતી કે એના પરિવારજને રૂબરૂ વિદેશમાં જઈને તપાસ કરવી જોઈએ કે ખરેખર યુવક ક્યાં રહે છે, એની આવક શું છે, કયા વિઝા છે, એ બધું જાણવું જોઈએ, કારણ કે ઘણીવાર વિઝા ટૂંકાગાળા, વિઝિટર અથવા નોકરી અર્થે અમુક વર્ષના હોય તો એ બધું જોવું જોઈએ. એને ત્યાંનાં HR મળેલા છે કે કાયમી નાગરિક છે એ બધી માહિતી મહત્વની છે. આ બાબતોની ખરાઈ કરવી જોઈએ.’
પોતાનો પાસપોર્ટ પોતાની પાસે જ રાખવો:
પ્રીતિબેન આગળ કહે છે, ‘યુવતીઓએ પોતાનો પાસપોર્ટ પોતાની પાસે જ રાખવો જોઈએ. વિઝાના કાગળો કરવાના હોય તો લગ્ન કરવાના હોય એ પહેલાંથી જ બધું કમ્પ્લિટ કરાવીને એ પ્રોસેસ પૂરી કર્યા પછી જ એણે મોકલવાનો હોય. ઘણી વાર વિઝા નથી થયાં કે વિઝાનો ખર્ચો તારા પિતાજી કરશે તો જ હું તને બોલાવીશ એમ છોકરા કહેતાં હોય ત્યારે એ બધો ખર્ચો છોકરીને માથે પડતો હોય છે. અમુક વાર ત્યાં રેજિગ્નેશન મેરિટલ સ્ટેટસ બતાવવાનું હોય છે, તેનો ઉપયોગ કરવા માટે પણ લગ્ન કરવામાં આવતાં હોય છે એટલે ત્યાં પહોંચ્યા પછી વિઝા જ ના કરાવે. એટલે વિઝાની પ્રોસેસ પહેલેથી જ પૂરી કરાવવી, ખર્ચ પૂરા કરાવવા ઉપરાંત પાસપોર્ટ પોતાની પાસે રાખી મૂકવો જરૂરી છે.’
વિદેશમાં ડિવોર્સ અને ભારતમાં લગ્ન:
‘કાયદો પણ જાણવો જોઈએ, કારણ કે ઘણી વખત વિદેશમાં પણ લગ્ન કર્યા હોય છે અને અહી આવીને પણ લગ્ન કરે છે. ત્યારે પતિ વિદેશ અને ભારત બંનેનું નાગરિકત્વ ધરાવતો હોય છે. ત્યારે યુવક વિદેશમાં ડિવોર્સ લઈ લે છે. ત્યારે પત્નીને થાય કે ડિવોર્સ થઈ ગયા એટલે પૂરું થઈ ગયું, પરંતુ એવું નથી. એણે ત્યાં ડિવોર્સ લીધા હોવા છતાં ભારતમાં લગ્ન કરેલ હોય તો ભારત આવવું પડે. ભલે એ બેમાંથી કોઈ પણ દેશનો નાગરિક હોય પણ એણે ભારતમાં આવીને જ છૂટાછેડા લેવા પડે. ના લે ત્યાં સુધી ભારતમાં તો એ પતિ-પત્ની જ ગણાય છે, ભલે વિદેશમાં ડિવોર્સી કહેવાય. ઇન્ટરનેશનલ કાયદા કનેક્શનમાં લાગુ પડતાં હોય છે. એમ જોવું પડે કે જ્યુરીડિક્સન ક્યાંનું બને છે?’
સોશિયલ મીડિયામાં ચમકદાર પ્રોફાઈલ જોઈને આકર્ષાઈ ન જતા:
‘વિદેશથી લગ્ન કરવા આવતાં યુવાનો ક્યારેક મેરેજ બ્યૂરોનો સંપર્ક કરતા હોય છે, પરંતુ આજકાલ બ્યૂરો અને સગાં કરતાં વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે, જેમાં વ્યક્તિ પોતાની પ્રોફાઇલ જાતે બનાવે છે. એના પર વિશ્વાસ કરીને વાત મિત્રતા અને લગ્ન સુધી પહોંચે છે. પછી ખબર પડે કે આ માણસ પાસે કશું છે જ નહીં. સોશિયલ મીડિયાથી ઘણાં બધા લોકો મિસગાઇડ થાય છે. બાકી મધ્યસ્થી, મેરેજ બ્યૂરો, સમાજ દ્વારા કે અન્ય રીતે યુવકોના માગા આવતાં હોય અને મધ્યસ્થી હોય ત્યારે ફેમિલી એવું માને છે કે આ તો આપણાં સંબંધી છે એ ખોટું નહીં બોલે. આ બતાવે એટલે સાચું જ હોય. એ કારણે પણ ક્યારેક ખરાઈ નથી કરતાં.
પરિચય મેળાની ચોપડીની વિગતોની પણ ખરાઈ કરવી
‘સમાજની ચોપડીઓ બહાર પડે કે પરિચય મેળામાં યુવકો પોતાની પ્રોફાઇલ બહુ મોટી બતાવે. ધારો કે માસિક પગાર લાખ રૂપિયા છે. પણ ડિસપ્યૂટ પછી ખોરાકીનો કેસ થાય ત્યારે કહે કે આઠ હજાર જ પગાર છે. ત્યારે અમે સમાજની ચોપડી સામે મૂકી કે તારો લાખ રૂપિયા પગાર છે. તો એમ કહે એ જે તે સમયે હતો, પરંતુ જે તે સમયે માણસ લાખ રૂપિયા કમાતો હોય તો એ વધે કે નીચે આવે. ઇન કેસ નીચે આવે તો પણ લાખનો આઠ હજાર ના જ થાય. લગ્ન કરવાના હોય ત્યારે પગારનો આંકડો મોટો બતાવે અને આપવાની વાત આવે ત્યારે પોતે બેકાર હોવાનું દર્શાવે.’
કયા કયા દેશોમાં વધારે આવું થાય છે?
આ અંગે પ્રીતિબેન કહે છે, ‘આમ જોવા જઈએ તો બધે અલગ જ છે. પણ ઓસ્ટ્રેલિયા, દુબઈ, અમેરિકા, કેનેડા તથા ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડનો છેલ્લો નંબર આવે. એટલે કહી શકીએ કે સૌથી વધારે આવા કિસ્સા ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં થાય છે.’આંખ ઉઘાડતો કિસ્સોઃ ‘હું મૉટેલ ચલાવું છું’ ત્યાં જઈને જોયું તો NRI મુરતિયો વાસણ માંજતો હતો, જાણો કઈ રીતે NRI મુરતિયા બનાવે છે ટાર્ગેટ
કોણ છે પ્રીતિબેન જોશી
પ્રીતિબેન જોશી મૂળ સુરતના છે અને 17 વરસથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે. મૂળ સુરતમાં ફેમિલી કોર્ટ, ક્રિમિનલ કોર્ટ અને કન્ઝ્યૂમર કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. સાથે સાથે ગુજરાત હાઇકોર્ટ અને છેલ્લા છ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. પ્રીતિબેન જ્યાં ભારતીયો રહેતા હોય એવા અલગ અલગ દેશોમાં જઈને કાનૂની સલાહ વિના મૂલ્યે આપે છે. એમણે 2016માં લંડન, 2017માં દુબઈ અને 2018માં થાઈલેન્ડ ખાતે એક લીગલ વર્કશોપ રાખી હતી. આ વર્કશોપમાં ઘણાં NRI લોકોએ મુલાકાત લીધી હતી, જેમને વિના મૂલ્યે સલાહ આપવામાં આવી હતી.સૌજન્યઃ દિવ્ય ભાસ્કર