આપણે સૌ કોઈ જાણીએ છે કે, માનવ સેવા એજ પ્રભુ સેવા. આ સૂત્રને સાર્થક કરતા શિક્ષક દંપતી વિશે જાણીશું.75 દિવસની રજા મૂકીને ‘હર હર ડોડી, ઘર ઘર ડોડી’ અભિયાન, 16.50 લાખ વિદ્યાર્થીને આંખોના નંબર દૂર કરતી ઔષધીનું ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે. ચાલો ત્યારે આ દંપતીનાં અભિયાન વિશે જાણીએ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખોબા જેવડા નવાગામના વતની અને હાલ કચ્છ ખાતે શિક્ષક તરીકે કાર્યરત નવયુવાન દ્વારા આજથી આઠ વર્ષ અગાઉ શરૂ કરાયેલા ડોડી અભિયાન ચર્ચામાં આવ્યું છે.
આજના સમયમાં બાળકોને મોટા પ્રમાણમાં આંખમાં નંબરનાં ચશ્માંની સમસ્યા બાબતે શિક્ષક ભરતભાઈ મકવાણાએ વન-વગડાની સાવ સામાન્ય ગણાતી વેલા પ્રકારની વનસ્પતિ જીવંતી ડોડીને ઘર ઘર પહોંચાડવાનો અનોખો સંકલ્પ કર્યો. નિ: સ્વાર્થ ભાવે તેમણે લગ્ન બાદ પોતાની જાગૃતિબેને આ કાર્યમાં સાથ આપ્યો.બંને દંપતીએ જંગલમાંથી ડોડી સાથે વિવિધ વનસ્પતિઓનાં બીજ એકઠાં કરીને જે-તે શાળાઓમાં તેમજ કચેરીઓમાં કુરિયર કે રૂબરૂ પહોંચાડતું હતું.
આ અભિયાનના પ્રણેતા શિક્ષક એવા ભરતભાઈ મકવાણા કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના બેરાજા સી.આર.સી કૉ.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમનાં પત્ની જાગૃતિબેન ભાવનગર જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભૂગોળ વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દંપતીએ અત્યારસુધીમાં ગુજરાતની 5,000થી વધુ શાળા અને કોલેજો સુધી આ મિશનની સુવાસ પહોંચાડી છે. આ યુવાન શિક્ષક દંપતી વેકેશનમાં ફરવા જવાના બદલે આ અનોખા મિશન પાછળ જ સમય વિતાવે છે.
બંને શિક્ષક દંપતીએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસની એકસાથે રજા મૂકીને આ અનોખો અભિયાનની સુવાસ ગુજરાતભરની શાળા, કોલેજોમાં પહોંચાડી છે.ગુજરાતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરતા અભિયાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક જ દિવસમાં 11 લાખ બીજના વિતરણ કરવાના લક્ષ્યાંક સામે 16.73 લાખથી વધુ ડોડીનાં બીજનું વિતરણ કર્યું હતું.
ડોડી વનસ્પતિને સ્થાનિક ભાષામાં જીવંતી અને ખરખોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સીમ વિસ્તારમાં વાડી, ખેતરની વાડ પર આ વનસ્પતિના વેલા જોવા મળે છે. ડોડી બાળકોથી લઈને મોટેરાઓને થતી ચશ્માંના નંબર સહિતની શરીરમાં થતી અન્ય બીમારીઓમાં પણ ખૂબ ગુણકારી ઔષધી છે. એનાં પાન અને ફળની ભાજી બનાવી, ચૂર્ણ બનાવી કે કાચી પણ ખાઈ શકાય છે.આ વિચારને સાકાર કરવા અંકુર બીજ બેંક, અંકુર ટ્રી બેંક એન્ડ અંકુર નર્સરી સંચાલિત “હર હર ડોડી- ઘર ઘર ડોડી અભિયાન” અંતર્ગત 11 લાખ ડોડી/જીવંતીનાં બીજ શાળા અને કોલેજોમાં ફ્રીમાં વિતરણ કરવાનું નક્કી કરીને 30 મે-2022ના રોજ દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના આશીર્વાદથી તેની શરૂઆત કરી હતી.
આ વર્ષે અમે 6000 પ્રાથમિક શાળામા ડોડીનાં બીજ અને સાહિત્ય પહોચાડવાનું નક્કી કર્યું છે. એમાં 5 હજારથી વધુ પર શાળાઓ પૂરી કરી દીધી છે અને બાકીની આ 15 દિવસમાં પૂરી કરીશું, એક શાળાને 100 બીજ અને ડોડીની માહિતી આપતું સાહિત્ય આપીએ છીએ, એટલે 6 લાખ બીજનું વિતરણ શાળાઓમાં આ વર્ષે કરી રહ્યા છીએ. આ મિશનનો હેતુ જણાવતા કહ્યું કે, વનસ્પતિઓમાં સૌથી વધારે વિટામિન એ આ જીવંતી વનસ્પતિમાં જોવા મળે છે અને આંખોના નંબર ઉતારવાની ટેબ્લેટ પણ આ વનસ્પતિના મૂળ અને પાન મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઓનલાઇન અલગ-અલગ કંપનીઓ દ્વારા એનો પાઉડર ખૂબ મોંઘા ભાવે વેચવામાં આવે છે અને આંખોના નંબર ઉતારવાની લેપ્ટોડેમ વનસ્પતિમાં પણ આ જ વનસ્પતિનો ઉપયોગ થાય છે.