રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયા સતત હુમલા કરી રહ્યું છે. દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે. તેવામાં દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે આ યુદ્ધ કેટલા સમય સુધી ચાલશે? અને ક્યા પરિણામે આ યુદ્ધ પુરુ થઈ શકે છે?
મીડિયા એજન્સીના રિપોર્ટમાં આ 5 પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઈ રીતે આ યુદ્ધ શાંત થઈ શકે છે. અત્રે સ્પષ્ટ કરી દઇએ કે આ 5 પરિસ્થિતિઓ કાલ્પનિક છે, પરંતુ ભવિષ્યને સમજવા માટે આમાંથી મદદ મેળવી શકાય છે.
પરિસ્થિતિ 1: નાનુ યુદ્ધ, ઝડપી હુમલા અને યુક્રેન પર કબજો
એક સંભાવના મુજબ રશિયા એક નાનું અને નિર્ણાયક યુદ્ધ લડી શકે છે. તે યુક્રેન વિરુદ્ધ હુમલા વધુ ઝડપી કરી શકે છે અને કિવ પર કબજો કરીને આ જંગને ઝડપથી પુરી કરી શકે છે. રશિયન વાયુસેના, જેનો ઉપયોગ હજી સુધી આ યુદ્ધમાં પુરી રીતે નથી થયો તેનો ઉપયોગ પણ ભવિષ્યમાં થાય તેવી સંભાવના છે.
યુક્રેન પર હુમલો કર્યા બાદ ત્યા માસ્કો સમર્થક કઠપુતલીની સરકાર રચાઈ શકાય છે. જો રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની હત્યા થઇ જાય અથવા દેશ છોડીને ભાગી જાય તો આ સંજોગોમાં પણ રશિયા દ્વારા યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. યુદ્ધ પુરુ થયા બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર કંટ્રોલ બનાવી રાખવા પોતાની કેટલીક સેના ત્યાંજ રહેવા દેશે.
પરિસ્થિતિ 2: લાંબુ યુદ્ધ
આ વાતની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ યુદ્ધ લાંબુ ચાલી શકે છે. રશિયન સૈનિકોને મોટું નુકસાન પહોંચી શકે છે અને તેમને કિવ જેવા શહેરો પર કબજો કરવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. 1990ના દાયકામાં રશિયા ચેચન્યામાં આવી સ્થિતિનો સામનો કરી ચૂક્યું છે. એવું પણ બની શકે છે કે યુક્રેનની સેના વિદ્રોહી ભૂમિકા સ્વિકારી લે અને રશિયન સૈનિકો માટે મોટી મુશ્કેલીઓ ઉભી કરે. અને પશ્ચિમી દેશોમાંથી યુક્રેનને સતત હથિયાર સપ્લાઈ કરતા રહે.
પરિસ્થિતિ 3: યુરોપિયન યુદ્ધ
એક સંભાવના એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુક્રેન બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પાડોશી દેશો પર પણ કબજો કરવાનો પ્રયત્ન કરે. તેમનો આગળનો ટાર્ગેટ માલ્દોવા અને જીઓર્જીઆ હોય શકે છે. જોકે, આ બંને દેશ NATOનો ભાગ નથી. પરંતુ પશ્ચિમિ દેશો દ્વારા યુક્રેનને હથિયાર આપવાના જવાબમાં પુતિન NATO મેમ્બર બાલ્ટિક રાજ્યો જેવા કે લિથિયુઆનિયા, એસ્ટાબ્લિશમાં સેના મોકલવાની ધમકી આપી શકે છે. જે રશિયા માટે NATO સાથે ખૂબ જ ખતરનાક અને જોખમી યુદ્ધ સાબિત થઈ શકે છે. જોકે આની સંભાવના ખૂબ જ ઓછી છે પરંતુ જો પુતિન યુક્રેનમાં હારી જાય છે તો ફેસ સેવિંગ માટે તેઓ આ પગલુ પણ ભરી શકે છે.
પરિસ્થિતિ 4: રાજદ્વારી ઉકેલ
એવી પણ શક્યતા છે કે એક સપ્તાહ કરતાં વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો હજુ રાજદ્વારી ઉકેલ આવી શકે છે. તાજેતરમાં, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું- બંદૂકો હવે વાત કરી રહી છે, પરંતુ વાતચીતનો માર્ગ હંમેશા ખુલ્લો હોવો જોઈએ.
અહીં યુદ્ધ ખતમ કરવા માટે અનેક સ્તરે વાતચીત થઈ રહી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી છે. બેલારુસ સરહદ પર વાતચીત માટે રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ પણ મળ્યા છે. ચીન પણ આ મામલામાં હસ્તક્ષેપ કરીને મોસ્કો પર સમાધાન માટે દબાણ કરી શકે છે.
આવો એક સોદો પણ થઈ શકે છે કે યુક્રેન ક્રિમીયા અને ડોનબાસના ભાગો પર રશિયન સાર્વભૌમત્વને સ્વીકારે અને બદલામાં યુક્રેનિયન સ્વતંત્રતા અને યુરોપ સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના અધિકારનો સ્વીકાર કરી લે. જો કે, આ બધા મુદ્દા અત્યારે કાલ્પનિક છે.
પરિસ્થિતિ 5: પુતિનની સત્તા પરથી હકાલપટ્ટી
એવી પણ સ્થિતિ બની શકે છે કે યુક્રેન સાથેના યુદ્ધને કારણે પુતિન રશિયામાં પોતાની લોકપ્રિયતા ગુમાવે અને પછી સત્તા તેમના હાથમાંથી નીકળી જાય છે.
આ અંગે કિંગ્સ કોલેજ (લંડન)ના યુદ્ધ અભ્યાસના પ્રોફેસર સર લોરેન્સ ફ્રીડમેને લખ્યું છે - "કિવમાં સત્તા પરિવર્તનની એટલી જ સંભાવના છે જેટલી મોસ્કોમાં છે.
તેઓ કહે છે કે જો યુક્રેન યુદ્ધમાં હજારો રશિયન સૈનિકો માર્યા જાય તો દેશને ખૂબ અસર થશે. જો કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે તો પુતિનની લોકપ્રિયતા ઘણી ઓછી થઈ શકે છે. પુતિનને ટેકો આપતા મોટા ઉદ્યોગપતિઓને પણ લાગે છે કે પુતિન હવે તેમના હિતોનું રક્ષણ કરી શકશે નહીં. તેઓ પુતિનનો પક્ષ છોડી શકે છે.