સ્નાનના મહત્વને કોઈ નકારી શકે તેમ નથી. સ્નાન ન માત્ર શરીરને શુદ્ધ કરે છે પણ આત્માને પણ શુદ્ધ કરે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આ ઉપરાંત તે તમને શારીરિક-માનસિક રૂપે તાજા પણ રાખે છે. હિન્દુ ધર્મમાં નદીઓમાં સ્નાન કરવાને શુભ માનવામાં આવ્યું છે પણ કોઈપણ શુભ કામ પહેલા સ્નાન કરવુ જરૂરી માનવામાં આવ્યું છે. ત્યાં સુધી કે આપણા શાસ્ત્રોમાં પણ સ્નાનનો ઉલ્લેખ છે. દિવસના કયા સમયે તમે સ્નાન કરો છો તેનું પણ આગવુ મહત્વ હોય છે. તેથી સવારે જાગી અને સૌથી પહેલાં સ્નાન કરવાનું વિધાન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે.
પરંતુ સમય સાથે લોકોની આદતોમાં પણ ફેરફાર થતા રહ્યા છે અને સ્નાન કરવાનો સમય અને વિધિનું મહત્વ પણ ભુલાઈ ગયું છે.
વર્તમાન સમયમાં લોકો સવારે ચા-નાસ્તો કરીને નહાવા જાય છે. શાસ્ત્રો અનુસાર આ રીત તદ્દન ખોટી છે. આજે જાણી લો સ્નાનનું શું મહત્વ છે નિયમિત રીતે સૂર્યોદય સમયે પથારીનો ત્યાગ કરી સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ.
શરીરને સ્વચ્છ કરવાની સાથે સ્નાનથી મન પણ પ્રફુલ્લિત થાય છે અને થાક ઉતરી જાય છે. નિયમિત સ્નાન નિરોગી કાયા અને ચમકતી ત્વચા માટે જરૂરી છે. શુભફળની પ્રાપ્તિ કરવા માટે સૂર્યોદય પહેલાં નહાવું જોઈએ. આ સ્નાન કરનાર અલક્ષ્મીથી મુક્ત થાય છે અને બુદ્ધિવાન બને છે. સ્નાન કરતી વખતે ગુરુ મંત્ર અચૂક બોલવો જોઈએ.
સ્નાનના પ્રકાર અને તેનાથી કેવા લાભ થાય છે.
બ્રહ્મ સ્નાન
સવારે લગભગ 4થી 5 વાગ્યા સુધીમાં ભગવાનનું નામ લેતાં લેતાં સ્નાન કરવામાં આવે તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે. આ રીતે સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ-શાંતિ રહે છે. તેને બળ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાથે જ તેમને જીવનમાં સંતોષ મળે છે.
દેવ સ્નાન
સૂર્યોદય પછી સ્નાન કરનારને વિવિધ નદિઓના નામ લેતાં લેતાં સ્નાન કરવું જોઈએ. આ સ્નાનને દેવ સ્નાન કહેવામાં આવે છે. આ સ્નાન જીવનની ચિંતાઓને દૂર કરે છે.
દાનવ સ્નાન
ચા-નાસ્તો કર્યા પછી સ્નાન કરવામાં આવે તેને દાનવ સ્નાન કહેવાય છે. આ રીતનું અનુકરણ જે વ્યક્તિ કરે છે તેના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે.
યૌગિક સ્નાન
યોગના માધ્યમથી પોતાના ઈષ્ટદેવનું ચિંતન અને ધ્યાન કરી અને સ્નાન કરવામાં આવે તેને યૌગિક સ્નાન કહેવાય છે. યૌગિક સ્નાનને આત્મતીર્થ પણ કહેવાય છે. કારણ કે આ રીતે સ્નાન કરવાથી તીર્થ યાત્રામાં સ્નાન કર્યા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે
રાક્ષસ સ્નાન
જે વ્યક્તિ સવારે 8 વાગ્યા પછી સ્નાન કરે છે તેને રાક્ષસ સ્નાન ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં રાક્ષસ સ્નાનને ખરાબ માનવામાં આવ્યું છે. આથી હિન્દુ ધર્મનું પાલન કરનારા બધાને રાક્ષસ સ્નાન ન કરવા જણાવાયું છે. આવા વ્યક્તિના જીવનમાં દરિદ્રતા અને તંગહાલી આવે છે અને તેમને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે.